સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૬
ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનોના કાફલાની અવરજવર ઉપર નિયંત્રણ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કરતાં જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જી.એચ.સોલંકી
૦૦૦૦૦
રાજકીય પક્ષો કે ઉમેદવારો ૧૦ થી વધુ વાહનોના કાફલા સાથે ફરી શકશે નહીં
૦૦૦૦૦
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જી.એચ. સોલંકી દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનોના કાફલાની અવરજવર ઉપર નિયંત્રણ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર, કોઈપણ ઉમેદવાર, રાજકીય પક્ષના કાર્યકરો કે અન્ય વ્યક્તિઓ કોન્વોયમાં એકસાથે ૧૦થી વધુ વાહનો ફેરવી શકશે નહીં. આ મર્યાદા કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓના કોન્વોયને પણ લાગુ પડશે. જો મંત્રીશ્રીઓના કાફલામાં ૧૦થી વધુ વાહનો હોય, તો દસ વાહનો બાદ કોન્વોય બ્રેક કરી બે કાફલા વચ્ચે ઓછામાં ઓછું ૧૦૦ મીટરનું અંતર જાળવવાનું રહેશે. તેમજ મહાનુભાવોની સુરક્ષા સંદર્ભે જે-તે સમયે અપાયેલી વિશેષ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
વધુમાં, ચૂંટણી અધિકારીશ્રીની કચેરીની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉમેદવાર વધુમાં વધુ ત્રણ વાહનો સાથે આવી શકશે. કચેરીની અંદર પ્રવેશવા માટે પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જે મુજબ ચૂંટણી આયોગે નિયત કરેલ ઉમેદવાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ જ ચૂંટણી અધિકારીશ્રી કે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં પ્રવેશ કરી શકશે. પાંચથી વધુ વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ નિયંત્રણો ફરજ પરના સરકારી વાહનો, ચૂંટણી કાર્યમાં રોકાયેલા સ્ટાફના વાહનો અને સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરવામાં આવેલ વાહનોને લાગુ પડશે નહીં.
આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે તા. ૩૦/૦૪/૨૦૨૬ ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ભંગ કરવામાં મદદગારી કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
0 Comments