સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૬

૦૦૦૦૦

ચૂંટણી પ્રચારમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયંત્રણો મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ

૦૦૦૦૦

સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં

૦૦૦૦૦


માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬, નગરપાલિકાઓની સામાન્ય/પેટા ચૂંટણી-૨૦૨૬ તથા જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ અન્વયે આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન અને તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી યોજાનાર છે. ચૂંટણી પ્રચાર દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગથી થતા ધ્વનિ પ્રદૂષણને અટકાવવા અને સામાન્ય જનતા, ખાસ કરીને વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને અશક્તોની શાંતિમાં ખલેલ ન પહોંચે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જી.એચ.સોલંકી દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયંત્રણ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિસ્તારોમાં રસ્તાઓ પર, જાહેર કે ખાનગી જગ્યાઓમાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. મંજૂરી મેળવ્યા બાદ પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ માત્ર સવારના ૦૬:૦૦ કલાકથી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી જ કરી શકાશે. વધુમાં, લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતી વખતે અવાજની તીવ્રતા એવી રીતે રાખવાની રહેશે કે જેથી જાહેર જનતાને કોઈ ત્રાસ, જોખમ કે ભય પેદા ન થાય.

જો મંજૂરી આપેલ સ્થળની નજીક સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો કે ધાર્મિક સ્થળો આવેલા હોય, તો ત્યાં કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તે રીતે તદ્દન ધીમા અવાજે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે.

આ પ્રતિબંધાત્મક આદેશોનો ભંગ કરનાર અથવા ભંગ કરવામાં મદદગારી કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, ચૂંટણી પ્રચારમાં લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે આયોગની સૂચનાઓના ઉલ્લંઘન બદલ પણ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ જાહેરનામું સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે તા. ૩૦/૦૪/૨૦૨૬ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.