ધ્રાંગધ્રા ખાતે અંદાજે રૂ. ૧૦.૩૫ કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે ......

પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તા. ૫મી માર્ચે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાશે


માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર: 

ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા આગામી ૫ માર્ચ, ૨૦૨૬, ગુરુવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પધારશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાયલા અને ધ્રાંગધ્રા ખાતે વિવિધ વિકાસલક્ષી સમીક્ષા બેઠકો યોજશે તેમજ કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

મંત્રીશ્રીના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, સાયલા મામલતદાર કચેરીના સભાખંડ ખાતે મંત્રીશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં વિકાસશીલ તાલુકા એવા ચોટીલા, સાયલા અને થાનગઢના વર્ષ ૨૦૨૫-૨૬ અને ૨૦૨૬-૨૭ ના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. 

ત્યારબાદ, મંત્રીશ્રી ધ્રાંગધ્રા નગરપાલિકાની મુલાકાત લેશે, જ્યાં ચીફ ઓફિસર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી શહેરના વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન જોગાસર તળાવ ખાતે વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમૃત ૨.૦ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૪.૦૦ કરોડના ખર્ચે થયેલ જોગાસર તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટના કામોનું મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત, મંત્રીશ્રી દ્વારા ધ્રાંગધ્રા શહેર માટે સ્વચ્છ ભારત મિશન અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે રૂ. ૬.૩૫ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આમ, પ્રભારી મંત્રીના આ પ્રવાસથી જિલ્લામાં અંદાજે રૂ. ૧૦.૩૫ કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યોને વેગ મળશે.