સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૬
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ઉમેદવારી ફોર્મ ભરવા સંદર્ભે વિવિધ નિયંત્રણો જાહેર કરાયા
ચૂંટણી અધિકારીશ્રીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ૩ વાહનો સાથે પ્રવેશ કરી શકાશે
કચેરીમાં ઉમેદવાર સહીત પાંચ વ્યક્તિ જ દાખલ થઈ શકશે; જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી મહાનગરપાલિકા, નગરપાલિકાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જી.એચ.સોલંકી દ્વારા નામાંકન પત્રો ભરવા સંદર્ભે વિવિધ નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિસ્તારોમાં ચૂંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અમુક ચોક્કસ પ્રતિબંધો લાગુ રહેશે. ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે પ્રત્યેક ઉમેદવાર દીઠ વધુમાં વધુ ત્રણ વાહનો જ કચેરીની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં લાવી શકાશે. આ ઉપરાંત, ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ જ પ્રવેશ કરી શકશે.
અપક્ષ ઉમેદવાર અને બિન માન્યતા પ્રાપ્ત પક્ષના ઉમેદવારોના કિસ્સામાં પણ આ જ મર્યાદા લાગુ પડશે. જો કોઈ કારણસર દરખાસ્ત મૂકનાર અન્ય મતદારોએ કચેરીમાં હાજર રહેવું જરૂરી હોય, તો પહેલા ગયેલા ચાર મતદારો બહાર નીકળ્યા બાદ જ બીજા મતદારો ક્રમશઃ અંદર પ્રવેશ કરી શકશે.
આ જાહેરનામું તા. ૦૬/૦૪/૨૦૨૬ થી તા. ૧૧/૦૪/૨૦૨૬ ના ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. જો કોઈ પણ વ્યક્તિ, રાજકીય પક્ષ કે ઉમેદવાર આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાયદેસરની શિક્ષાપાત્ર કાર્યવાહી કરવામાં આવશે.
0 Comments