લીંબડીના સૌકા ગામે રાણા પરિવારે દિકરાના લગ્ન પ્રસંગે પશુઓને ૧૫૫ મણ ઘાસચારો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક અનુદાન આપી દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે જ પૈસા ઉડાડવાની ઘોર પ્રથા બંધ કરી ક્ષત્રિય સમાજને પરિવર્તનનો સંદેશ પાઠવ્યો છે
લગ્ન પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચનું ચલણ વધતું જાય છે. તેવા સમયે લીંબડી તાલુકાના સૌકા ગામના રાણા પરિવારે એક અનોખી રાહ ચીંધી સમાજ માટે નવી દિશા કંડારી છે. લીંબડી શહેર ક્ષત્રિય સમાજના પ્રમુખ સહદેવસિંહ રાણાના મોટાભાઈ સુરપાલસિંહના દિકરા સત્યજીતસિંહ રાણાના લગ્ન પ્રસંગને માત્ર પારિવારિક, કૌટુંબિક, ગ્રામજનો, સગાંસંબંધીઓના આનંદ સુધી મર્યાદિત ન રાખતાં તેને સામાજિક ઉત્તરદાયિત્વનો અવસર બનાવ્યો હતો. લગ્નની ખુશીમાં રાણા પરિવારે અબોલ પશુઓની પીડા સમજી તેમના માટે ૧૫૫ મણ લીલું ઘાસ તથા કુતરા ને લાડવા ચબુતરાઓ માં ચણ ઝાર તથા કીડિયારું પણ પૂર્યું હતું અને આ ઘાસચારાની વ્યવસ્થા કરી જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલું જ નહીં, આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં આર્થિક અનુદાન આપીને વિદ્યાદાનના કાર્યમાં પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવ્યો છે. આર્થિક શક્તિનો સદુપયોગ કેવી રીતે થઈ શકાય તે સાબિત કરી બતાવ્યું છે. સૌથી મહત્વનું અને સાહસિક પગલું ક્ષત્રિય સમાજમાં પ્રવર્તતી ઘોર (બિનજરૂરી રોકડ ઉછાળવાની પ્રથા) બંધ કરવાનું હતું. સામાજિક દેખાડા અને આર્થિક વેડફાટ સમાન ઘોર પ્રથાને તિલાંજલિ આપી રાણા પરિવારે ક્ષત્રિય સમાજમાં એક મજબૂત દાખલો બેસાડ્યો છે. સૌકા ગામના આ પરિવારે સાબિત કર્યું છે કે જો વિચાર ઉમદા હોય, તો પ્રસંગ માત્ર મંગલમય જ નહીં પણ પ્રેરણાદાયી પણ બની શકે છે. આ પહેલ અન્ય પરિવારો માટે સમાજ સુધારણા અને સાદગીનો સંદેશ બની રહેશે.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી

0 Comments