ઝાલાવાડની હરિયાળી ઓળખ: ચોટીલાનું ‘ભક્તિ વન’ અને દૂધરેજનું ‘વટેશ્વર વન’ પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર

 ઝાલાવાડની હરિયાળી ઓળખ: ચોટીલાનું ‘ભક્તિ વન’ અને દૂધરેજનું ‘વટેશ્વર વન’ પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર

ટકાઉ અર્થતંત્ર અને સાંસ્કૃતિક વારસાના જતન માટે વન સંરક્ષણ અનિવાર્ય ગ્રીન ઇકોનોમીનો પાયો: વર્ષ ૨૦૨૬ની થીમ 'Forests and Economies' હેઠળ જંગલો દ્વારા રોજગારી અને આર્થિક સમૃદ્ધિનો નવો રાહ

સાંસ્કૃતિક વનોનો દિવ્ય વારસો: ગુજરાત સરકારના વિઝનરી અભિગમથી પ્રકૃતિ, આધ્યાત્મિકતા અને પર્યટનનું અનોખું સંગમ









વિશેષ અહેવાલ:- ભાવિકા લીંબાસીયા, માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:


"જ્યાં પ્રકૃતિ હસે છે, ત્યાં સંસ્કૃતિ વસે છે; વૃક્ષોના જતનમાં જ માનવતાનું હિત વસે છે."

પૃથ્વી પર જીવનના અસ્તિત્વ માટે વન એ માત્ર વૃક્ષોનો સમૂહ નથી, પરંતુ એક જીવંત જીવનતંત્ર છે. વિશ્વભરમાં દર વર્ષે ૨૧ માર્ચના દિવસને 'આંતરરાષ્ટ્રીય વન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા વર્ષ ૨૦૧૨માં આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ વનોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તમામ પ્રકારના જંગલોના સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે. વર્ષ ૨૦૨૬ માટે આ દિવસની થીમ "જંગલો અને અર્થતંત્ર" - Forests and Economies રાખવામાં આવી છે, જે આર્થિક સમૃદ્ધિ અને ટકાઉ વિકાસમાં જંગલોની પાયાની ભૂમિકાને ઉજાગર કરે છે. 


જંગલો: ગ્રીન ઇકોનોમીનો મજબૂત સ્તંભ

આ વર્ષની થીમ 'જંગલો અને અર્થતંત્ર' એ બાબત પર ભાર મૂકે છે કે જંગલો વિશ્વભરમાં અબજો લોકો માટે આજીવિકાનો પ્રાથમિક સ્ત્રોત છે. જંગલો માત્ર લાકડું કે કાચો માલ જ પૂરો પાડતા નથી, પરંતુ તે ગરીબી ઘટાડવામાં, રોજગારી સર્જનમાં અને ખાદ્ય સુરક્ષા મજબૂત કરવામાં મહત્વનો ફાળો આપે છે. ખાસ કરીને ગ્રામીણ અને વન-આધારિત સમુદાયો માટે જંગલો આવક, પોષણ અને ઊર્જાનો મુખ્ય આધાર છે. આ ઉપરાંત, જંગલો આબોહવા નિયમન, જળ સુરક્ષા અને જમીન સંરક્ષણ જેવી અમૂલ્ય 'ઇકોસિસ્ટમ સેવાઓ' પૂરી પાડે છે, જે કૃષિ અને ઉદ્યોગ માટે અનિવાર્ય છે. ટકાઉ 'બાયો-ઈકોનોમી' તરફ આગળ વધવા માટે વન પેદાશો કુદરત-આધારિત શ્રેષ્ઠ ઉકેલો પ્રદાન કરે છે.


ગુજરાત સરકારની દીર્ઘદ્રષ્ટિ: ‘વન મહોત્સવ’થી ‘સાંસ્કૃતિક વન’ સુધીની મજલ 

ગુજરાત રાજ્ય પર્યાવરણ સંરક્ષણમાં અગ્રેસર રહ્યું છે. વર્ષ ૨૦૦૪થી રાજ્ય સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી 'સાંસ્કૃતિક વનો'ના નિર્માણની શરૂઆત કરવામાં આવી છે. આ વનો માત્ર હરિયાળી વધારવા માટે નહીં, પરંતુ લોકોમાં પ્રકૃતિ પ્રત્યેની ભાવના, આધ્યાત્મિક જોડાણ અને ઔષધીય જ્ઞાન વધારવા માટે વિકસાવવામાં આવ્યા છે. વન મહોત્સવના માધ્યમથી લોકોને ભાવનાત્મક રીતે વૃક્ષો સાથે જોડીને લોકભાગીદારી દ્વારા વનરાજીનું જતન કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક વનો આજે પર્યટન, શિક્ષણ અને રોજગારીના કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા છે.


રાજ્યના ખૂણે ખૂણે ઔષધીય વનો, નક્ષત્ર વનો અને રાશિવનોનું નિર્માણ કરીને સરકારે વિજ્ઞાનને પરંપરા સાથે જોડ્યું છે. વન વિભાગ દ્વારા પ્રતિવર્ષ કરોડો રોપાઓનું વિતરણ, વન કવચનું નિર્માણ અને ‘ક્લીન ગુજરાત, ગ્રીન ગુજરાત’ના સંકલ્પ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં મેન્ગ્રોવ્સનું સંવર્ધન એ સરકારની પર્યાવરણીય પ્રતિબદ્ધતાના પુરાવા છે. વન્યજીવોના સંરક્ષણ માટે અત્યાધુનિક ટેકનોલોજી અને સ્થાનિક સમુદાયોને સહભાગી બનાવવાની નીતિને કારણે આજે ગુજરાતમાં હરિયાળીનો વ્યાપ સતત વધી રહ્યો છે.


સુરેન્દ્રનગરની અમૂલ્ય ભેટ: ભક્તિ વન અને વટેશ્વર વન દ્વારા પ્રકૃતિનું સંવર્ધન

ગુજરાત સરકારના આ પ્રયત્નોના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં બે અનોખા સાંસ્કૃતિક વનો – ભક્તિ વન અને વટેશ્વર વન વિકસાવવામાં આવ્યા છે. આ બંને વનો પ્રકૃતિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું અનોખું સંમિશ્રણ છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૪થી અમલી બનાવવામાં આવેલા સાંસ્કૃતિક વનોના અભિગમ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાને 'ભક્તિ વન' અને 'વટેશ્વર વન' એમ બે અમૂલ્ય ભેટ મળી છે. વન વિભાગ દ્વારા જનતાને વન સંરક્ષણ, પર્યાવરણ શુદ્ધિ અને પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડવાના ઉમદા હેતુથી આ વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પ્રકૃતિ સાથે ભાવનાત્મક રીતે સાંકળી, ધાર્મિક અને ઔષધીય વૃક્ષોના મહત્વથી માહિતગાર કરી પર્યટનને વેગ આપવાનો છે. આ માધ્યમથી રાજ્ય સરકાર વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા માટે લોકભાગીદારી વધારી રહી છે, જે અંતે જૈવિક વિવિધતામાં સુધારો અને સ્થાનિક રોજગારીની તકો ઊભી કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.


રાજ્ય સરકારના પ્રયાસોના ફળસ્વરૂપે સુરેન્દ્રનગર જિલ્લાને બે અદભૂત સાંસ્કૃતિક વનોની ભેટ મળી છે. ઝાલાવાડના પ્રવેશદ્વાર સમાન ચોટીલા ખાતે, જગતજનની ચામુંડા માતાના પ્રાંગણમાં વિસ્તરેલું ‘ભક્તિ વન’ એ માત્ર વન નથી, પણ એક આધ્યાત્મિક તીર્થ છે. ૧૮ જુલાઈ, ૨૦૦૮ના રોજ લોકાર્પિત થયેલું આ વન આજે ૫૮૦૦૦ થી વધુ ઘટાદાર વૃક્ષોથી લહેરાઈ રહ્યું છે. અહીં પ્રવેશતા જ ‘તુલસી કુંડ’માં ૧૦૮ ક્યારાઓમાં વાવેલી પવિત્ર તુલસીના દર્શન મનને શાંતિ આપે છે.


ભક્તિવનના હાર્દ સમાન સંકુલમાં ૫૧ શક્તિપીઠોની ગાથા ગાતી વાટિકા અને ૩૨૦૦ થી વધુ વૃક્ષો ધરાવતું ‘ત્રિફળા વન’ આયુર્વેદિક સમૃદ્ધિનો પરિચય કરાવે છે. અહીં જ્યોતિષશાસ્ત્ર અને વિજ્ઞાનનો સમન્વય પણ જોવા મળે છે; ‘પુનિત વન’ સંકુલમાં રાશિવન વૃક્ષો અને નક્ષત્રવન મુલાકાતીઓને પોતાની રાશિ મુજબના વૃક્ષોના મહત્વથી વાકેફ કરે છે. બાળકો માટે ‘નિરોગી બાળવન’ અને પ્રવાસીઓ માટે નિર્મિત વન કુટીરો આ સ્થળને શ્રેષ્ઠ પર્યટન ધામ બનાવે છે.


સુરેન્દ્રનગરના દૂધરેજ પાસે કેનાલના કાંઠે પથરાયેલું ‘વટેશ્વર વન’ એ જિલ્લાની બીજી અમૂલ્ય ભેટ છે. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ નિર્મિત આ વન ભગવાન વડવાળાના નામ સાથે જોડાયેલું છે. આ વનમાં ૭૩ હજારથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વનની વિશેષતા તેનો વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યપ્રદ અભિગમ છે. અહીંનો ‘આયુષ કલર ગાર્ડન’ અને પંચેન્દ્રિયોને જાગૃત કરતો ‘સેન્સ એન્ડ ટચ ગાર્ડન’ અનોખો અનુભવ પૂરો પાડે છે. ખાસ કરીને ‘યોગા ગાર્ડન’માં તૈયાર કરાયેલ એક્યુપંકચર વોક-વે સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ વન ઝાલાવાડની શૌર્યગાથા અને સાહિત્યિક વારસાને પણ જીવંત રાખે છે; અહીં તરણેતરના મેળાના શિલ્પો, દ્રૌપદી સ્વયંવર અને મહાન સપૂત ઝવેરચંદ મેઘાણી તથા સરદારસિંહ રાણાની સ્મૃતિઓ કંડારવામાં આવી છે. ‘આરોગ્ય વન’માં શરીરના અંગો મુજબ ઉપયોગી ઔષધિઓનું વાવેતર શિક્ષણ અને સ્વાસ્થ્યનો સંગમ રચે છે.

"ઘટાટોપ વનરાજીમાં વસે છે સૃષ્ટિનો પ્રાણ,

વૃક્ષોના જતનમાં જ છે માનવજાતનું કલ્યાણ." આંતરરાષ્ટ્રીય વન દિવસ આપણને યાદ અપાવે છે કે જંગલો વગરનું અર્થતંત્ર લાંબુ ટકી શકતું નથી. જંગલો પૂર નિયંત્રણ, પાણીનું શુદ્ધિકરણ અને આબોહવા પરિવર્તન સામે રક્ષણ આપીને અબજો ડોલરની કુદરતી સેવાઓ મફત આપે છે. ગુજરાત સરકાર દ્વારા સાંસ્કૃતિક વનોના માધ્યમથી પર્યટન અને સ્થાનિક રોજગારીની નવી તકો ઊભી થઈ છે.

કવિ નર્મદના શબ્દોમાં કહીએ તો, “જય જય ગરવી ગુજરાત”ના આંગણે પ્રકૃતિનું જતન એ જ આપણી ખરી સંસ્કૃતિ છે. સુરેન્દ્રનગર જિલ્લાના આ બંને વનો આજે ‘પર્યાવરણીય ફેફસાં’ બનીને શુદ્ધ હવા અને માનસિક શાંતિ પ્રદાન કરી રહ્યા છે. ચાલો, આ આંતરરાષ્ટ્રીય વન દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે “વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો”ના મંત્રને જીવન મંત્ર બનાવીએ, કારણ કે જંગલો છે તો જ આપણે છીએ.

Post a Comment

0 Comments