સુરેન્દ્રનગરમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલનું વિતરણ

 સુરેન્દ્રનગરમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલનું વિતરણ


સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુથી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ કાર્યરત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને અત્યાધુનિક જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધનો મળવાથી દિવ્યાંગોની ગતિશીલતામાં વધારો થશે અને તેઓ અન્ય પર નિર્ભર રહ્યા વગર પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકશે. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીશ્રીઓએ દિવ્યાંગ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દિવ્યાંગોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓનો ઉદ્દેશ્ય દિવ્યાંગોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી અને તેમને આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લઈ સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિતરણ કરવામાં આવેલા આ આધુનિક સાધનો દિવ્યાંગોના જીવનમાં મોટું પરિવર્તન લાવશે. જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલની મદદથી દિવ્યાંગજનો હવે લાંબા અંતરની મુસાફરી સરળતાથી કરી શકશે, જે તેમના શિક્ષણ અને રોજગાર મેળવવાના પ્રયત્નોમાં પણ ખૂબ જ સહાયરૂપ સાબિત થશે. સાધનો મેળવ્યા બાદ લાભાર્થીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સહાયથી તેમના જીવનની મુશ્કેલીઓ ઓછી થશે અને તેઓ ગૌરવભેર જીવી શકશે. લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ, તેમના પરિવારજનો ઉપસ્થિત  રહ્યા હતા. 

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments