‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’ વિશેષ
હવામહેલ ખાતે આયોજિત પ્રાકૃતિક ફાર્મર માર્કેટમાં ૨૦થી વધુ સ્ટોલ્સ દ્વારા મિલેટની વિવિધ વાનગીઓ અને ઉત્પાદનોનું પ્રદર્શન
સુરેન્દ્રનગર ખાતે આયોજિત બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’માં ખેતીવાડી વિભાગ અને ‘આત્મા’ ATMA પ્રોજેક્ટ દ્વારા નાગરિકોને પ્રાકૃતિક કૃષિ તથા ‘શ્રી અન્ન’ વિશે વિસ્તૃત જાણકારી મળી રહે તે માટે વિશેષ સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લો કુદરતી રીતે જ બાજરી અને જુવાર જેવા મિલેટ પાકોના વાવેતર માટે વિપુલ અનુકૂળતા ધરાવે છે. આ મેળાના માધ્યમથી જિલ્લાના જે ખેડૂતો સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, તેમને સીધું બજાર પૂરું પાડવાનો પાયાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેળામાં અંદાજે ૨૦ જેટલા વિવિધ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતોના સીધા ખેત-ઉત્પાદનોથી લઈને મિલેટમાંથી તૈયાર થયેલી મૂલ્યવર્ધિત ચીજવસ્તુઓનું આકર્ષક પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. મિલેટ પાકોના પૌષ્ટિક મહત્વ અંગે પ્રકાશ પાડતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજની આધુનિક અને બેઠાડું જીવનશૈલીમાં ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા અનેક શારીરિક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, ત્યારે મિલેટ એક સુરક્ષા કવચ સમાન છે. મિલેટ પાકોમાં એન્ટી-ઓક્સિડન્ટ તત્વોની સાથે ઝિંક અને આયર્ન જેવા સૂક્ષ્મ પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો કરે છે. આ મેળામાં માત્ર કાચા અનાજનું જ વેચાણ નથી, પરંતુ લોકોમાં રુચિ કેળવાય તે હેતુથી રાગીના ઢોકળા અને મિલેટની ખીચડી જેવી સ્વાદિષ્ટ તથા આરોગ્યપ્રદ વાનગીઓનો ફૂડ કોર્ટ પણ કાર્યરત છે. આ પ્રકારના નવતર પ્રયોગોથી શહેરીજનોમાં પોતાના દૈનિક ખોરાકમાં મિલેટનો સમાવેશ કરવા પ્રત્યે સભાનતા આવશે અને લોકો જંક ફૂડના બદલે પૌષ્ટિક આહાર તરફ વળશે. ખેડૂતોને સંદેશ આપતા તેમણે કહ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ જેવા રોકડિયા પાકોનું ચલણ હોવા છતાં, મિલેટ જેવા પાકો ઓછા ખર્ચે અને પ્રાકૃતિક ખેતી દ્વારા વધુ કાર્યક્ષમ રીતે લઈ શકાય છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ ખેડૂતો હવે ઝેરમુક્ત ખેતી તરફ વળી રહ્યા છે, જે જમીનની ફળદ્રુપતા અને ગ્રાહકના સ્વાસ્થ્ય બંને માટે હિતાવહ છે. આ મેળા દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન મળશે કે તેઓ પરંપરાગત ખેતીની સાથે મિલેટ જેવા મૂલ્યવાન પાકોનું વાવેતર વધારી આર્થિક સમૃદ્ધિ મેળવે.
તેમણે સુરેન્દ્રનગરના તમામ નાગરિકોને આ પ્રદર્શનની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને મિલેટને પોતાના આહારનો અનિવાર્ય હિસ્સો બનાવી ‘તંદુરસ્ત ભારત’ની સંકલ્પના સાકાર કરવા અપીલ કરી હતી. નોંધનીય છે કે, જિલ્લાના ખેડૂતો દ્વારા પકવવામાં આવતા જાડા ધાન પાકોને વેગ આપવા અને શહેરીજનોમાં જાગૃતિ લાવવાના હેતુસર સુરેન્દ્રનગર સહિત રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓમાં આ પ્રકારે 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ'નું આયોજન કરવામાં આવ્યું છે
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી

.jpeg)
.jpeg)
0 Comments