મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’ પ્રાકૃતિક ફાર્મર માર્કેટના વિવિધ સ્ટોલ્સે લોકોમાં જમાવ્યું આકર્ષણ; ‘શ્રીઅન્ન’ અને નવીન મિલેટ્સ વાનગીઓનું આકર્ષણ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાયું; ખેડૂતોના પ્રયાસોને બિરદાવતા મહાનુભાવો
રાગી, કાંગ અને કોદરી જેવી સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ વિશે માર્ગદર્શન; વચેટિયાઓ વગર ગાય આધારિત ખેતીના તાજાં શાકભાજી, ફળો અને મસાલાઓનું વેચાણ
સુરેન્દ્રનગરમાં આજથી બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને અન્ય મહાનુભાવોના હસ્તે રીબીન કાપીને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઉદ્ધાટન પ્રસંગે પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવ્હાણે, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ગૌતમકુમાર મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મુકેશભાઈ પરમાર, આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બી.જી.ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદકુમાર ઓઝા સહિતનાં અધિકારીશ્રીઓ જોડાયા હતા.
ઉદ્ઘાટન બાદ તમામ મહાનુભાવોએ પ્રદર્શનના દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખેડૂતો દ્વારા પ્રદર્શિત કરાયેલી વિવિધ વસ્તુઓ વિશે તલસ્પર્શી જાણકારી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ મહોત્સવ તા. ૨૨ માર્ચના રોજ રાત્રે ૧૦:૦૦ કલાક સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે.
આ મહોત્સવમાં રાગી, કાંગ અને કોદરી જેવા મિલેટ્સમાંથી બનેલી આધુનિક વાનગીઓ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે લોકો માત્ર બાજરી કે જુવારના રોટલાથી જ પરિચિત હોય છે, પરંતુ અહીં મિલેટ્સના ઉપયોગથી બનેલી વિવિધ વાનગીઓ અને તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. શુદ્ધ અને ભેળસેળ વગરના આ ધાન્યના સેવનથી ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા રોગો સામે રક્ષણ મળી શકે છે, તે અંગે કૃષિ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક કૃષિના મહત્વપૂર્ણ ઘટકો જેવા કે જીવામૃત, ઘન જીવામૃત અને દસપરણી અર્ક પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
આ સાથે જ ‘પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’માં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર મુક્ત, ઝેરમુક્ત અને ગાય આધારિત ખેતી દ્વારા પકવેલા તાજાં શાકભાજી, ફળો, મસાલા અને તેલીબિયાંનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે. વચેટિયાઓ વિના સીધો જ શુદ્ધ અને સાત્વિક આહાર ગ્રાહકો સુધી પહોંચતા નાગરિકોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, આધુનિક ખેતીની ઝલક આપતા 'ડ્રોન દીદી' અને કુપોષણ નિવારણની માહિતી આપતા 'આંગણવાડી' વિભાગના સ્ટોલ્સ પણ આ પ્રદર્શનમાં વિશેષ આકર્ષણ જમાવી રહ્યા છે.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી

.jpeg)



.jpeg)
0 Comments