સુરેન્દ્રનગર જિલ્લામાં જૂના વાહનોની લે-વેચ અને ભાડે આપતા વેપારીઓ માટે રજિસ્ટર નિભાવવું ફરજિયાત

 સુરેન્દ્રનગર જિલ્લામાં જૂના વાહનોની લે-વેચ અને ભાડે આપતા વેપારીઓ માટે રજિસ્ટર નિભાવવું ફરજિયાત


માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:


સુરેન્દ્રનગર જિલ્લામાં ભાંગફોડ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ માટે રજિસ્ટર ન થયા હોય તેવા સાયકલ, મોપેડ કે અન્ય જૂના વાહનોનો ઉપયોગ થતો અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.આર. પટેલ દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, જિલ્લામાં નવા કે જૂના વાહનોનું વેચાણ કરનારા, લે-વેચ કરનારા અથવા વાહનો ભાડે આપનારા તમામ વેપારીઓએ હવેથી ગ્રાહકની સંપૂર્ણ વિગતો સાથેનું રજિસ્ટર નિભાવવું ફરજિયાત રહેશે. વાહન ખરીદનાર, વેચનાર કે ભાડે રાખનાર વ્યક્તિ પાસેથી જરૂરી ઓળખના પુરાવા મેળવીને સ્થાનિક પોલીસ સ્ટેશનના સહી-સિક્કાવાળા રજિસ્ટરમાં તેની નોંધણી કરવાની રહેશે. વેપારીઓએ નિભાવવાના થતા આ રજિસ્ટરમાં વાહન વ્યવહાર કરનાર વ્યક્તિનું પૂરું નામ, જ્ઞાતિ, ઉંમર, સરનામું અને સંપર્ક નંબરની વિગતો રાખવી અનિવાર્ય છે. આ ઉપરાંત, વાહનનો નંબર, પ્રકાર, એન્જિન નંબર અને ચેસીસ નંબરની નોંધણી કરવાની સાથે ગ્રાહકનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ પણ રાખવાનો રહેશે. ઓળખના પુરાવા તરીકે રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ અથવા પાસપોર્ટ જેવા દસ્તાવેજોની ગ્રાહક દ્વારા પ્રમાણિત નકલ મેળવી તેની અલગ ફાઈલ બનાવવી વેપારી માટે જરૂરી છે. આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૩૧/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ કે વેપારી આ આદેશનો ભંગ કરશે અથવા ઉલ્લંઘન કરવામાં મદદગારી કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની દંડનીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

Post a Comment

0 Comments