સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી પ્રચારના અંતિમ ૪૮ કલાક દરમિયાન પ્રચાર પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ
જે તે વિસ્તારનાં મતદાર ન હોય તેવા બહારના રાજકીય પદાધિકારીઓને મતવિસ્તાર છોડવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ અન્વયે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને આચારસંહિતાના પાલન માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના દિશાનિર્દેશો મુજબ, મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પૂર્વે પ્રચાર પ્રક્રિયા બંધ કરવાની જોગવાઈ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જી.એચ.સોલંકી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા. ૨૪/૦૪/૨૦૨૬ના રોજ સાંજે ૦૬:૦૦ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સમયગાળો શરૂ થતાની સાથે જ, જે તે મતવિભાગના મતદાર ન હોય તેવા બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો કે અન્ય પ્રચારકોએ તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર જિલ્લાનો ચૂંટણી હેઠળનો વિસ્તાર છોડી દેવાનો રહેશે. આ જાહેરનામું તા. ૨૪/૦૪/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જો કોઈ પણ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી
0 Comments