સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હોટલો અને ગેસ ગોડાઉનો પર આકસ્મિક તપાસ: અનધિકૃત સંગ્રહખોરી રોકવા તંત્ર સતર્ક
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના પુરવઠા વિભાગ દ્વારા સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લામાં ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પુરવઠા અધિકારીઓની અલગ-અલગ ટીમો દ્વારા સ્થાનિક હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના વિવિધ એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાસ કરીને વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. હોટલ સંચાલકો દ્વારા નિયમ મુજબના સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ, વધુ સંગ્રહ કરવામાં આવ્યા છે કે કેમ તેની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એલ.પી.જી. ગેસના ગોડાઉનો ખાતે પણ પુરવઠા વિભાગ દ્વારા તપાસનો દોર લંબાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનોમાં રહેલા સ્ટોક રજિસ્ટરની એન્ટ્રીઓ અને ત્યાં ઉપલબ્ધ પ્રત્યક્ષ જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. ગેસના જથ્થામાં કોઈ વિસંગતતા જણાય અથવા સંગ્રહખોરી કરવામાં આવતી હોય તો તેને અટકાવવા માટે તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા પુરવઠા નિરીક્ષકો દ્વારા આગામી સમયમાં પણ વિવિધ સ્થળોએ આવી ચકાસણી સતત ચાલુ રાખવામાં આવશે. ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા અને રાંધણ ગેસ કે કોમર્શિયલ ગેસના અનધિકૃત વેચાણ અને સંગ્રહખોરી અટકાવવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી

.jpeg)

.jpeg)


0 Comments