પરંપરાગત ખેતીના વમળમાંથી બહાર નીકળી ‘સ્માર્ટ ફાર્મિંગ’ દ્વારા સમૃદ્ધિની કેડી કંડારતા કૃષક પ્રકાશભાઈ પટેલ, દાડમના બગીચામાં આંતરપાક તરીકે ટેટી-તરબૂચની ખેતી કરી પ્રકાશભાઈ કરી રહ્યા છે લાખોની કમાણીસરકારી સબસિડી અને આધુનિક પદ્ધતિ અપનાવી વીઘે રૂ. ૮૦,૦૦૦ સુધીનું મબલખ ઉત્પાદન: વેપારીઓ સામે ચાલીને આવે છે ખેતરે - ખેડૂત પ્રકાશભાઈ પટેલ , જૂની ઘરેડ છોડી, આધુનિક પદ્ધતિ અપનાવી મુખ્યમંત્રીના 'આવક બમણી' કરવાના મિશનને સાર્થક કરતા નવલગઢના ખેડૂતો
વિશેષ અહેવાલ:- ભાવિકા લીંબાસીયા, માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
પરંપરાગત ખેતીમાં જ્યારે ખર્ચ વધે અને વળતર ઘટે, ત્યારે ખેડૂત નિરાશ થવાને બદલે જો 'વિચાર' બદલે તો તેનું નસીબ બદલાઈ શકે છે. "ખેતીમાં ટકી રહેવું હોય તો પદ્ધતિ બદલવી પડશે" – આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી પ્રકાશભાઈ પટેલે. વર્ષોથી ચાલી આવતી કપાસ અને ધાણા-ચણાની પરંપરાગત ખેતીને તિલાંજલિ આપી, આજે તેઓ ટેટી-તરબૂચના વાવેતર થકી લાખોની કમાણી કરી રહ્યા છે. નવલગઢ ગામના એક સામાન્ય ખેડૂત પ્રકાશભાઈ રતિલાલભાઈ પટેલ વર્ષોથી એ જ પરંપરાગત ઘરેડમાં ખેતી કરતા હતા, જેમાં મોંઘા બિયારણ, ખાતર અને કાળી મજૂરી સામે માંડ ૧૦ મણનો ઉતારો આવતો હતો. આ આવકથી માત્ર ગુજરાન ચાલતું, સમૃદ્ધિ તો દૂરની વાત હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર જ્યારે ખેડૂતોની આવક બમણી કરવાના મિશન પર અવિરત કામ કરી રહી છે, ત્યારે પ્રકાશભાઈએ આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો. તેમણે પોતાની ૪૫ વીઘા જમીનમાં તરબૂચ અને ૩૦ વીઘા જમીનમાં ટેટીનું સફળ વાવેતર કરીને આસપાસના ખેડૂતો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.પ્રકાશભાઈની સફળતા પાછળ તેમની ગજબની કોઠાસૂઝ રહેલી છે. તેમણે ૩૫ વીઘા જમીનમાં દાડમનો બગીચો બનાવ્યો છે. સામાન્ય રીતે દાડમનો પાક તૈયાર થતા લાંબો સમય લાગે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન જમીન ખાલી રાખવાને બદલે તેમણે આંતરપાક તરીકે ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે. આ પદ્ધતિથી જમીનનો એક પણ ઇંચ ભાગ વ્યર્થ જતો નથી. મુખ્ય પાક તૈયાર થાય તે પહેલાં જ ટૂંકા ગાળાના આ પાકો દ્વારા તેમને રોકડી આવક મળવા લાગે છે. આ ઉપરાંત તેઓ ટમેટા અને કાકડી જેવા શાકભાજીનું પણ વાવેતર કરી ખેતીને વિવિધતાસભર બનાવી રહ્યા છે. રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ પ્રકાશભાઈ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ખેતીમાં ગુણવત્તા જાળવવા માટે પ્રકાશભાઈ મલ્ચિંગ અને ગ્રો-કવર જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. મલ્ચિંગથી પાણીની બચત થાય છે અને નિંદામણનો પ્રશ્ન ઉકેલાય છે, જ્યારે ગ્રો-કવર પાકને રોગ-જીવાત અને પ્રતિકૂળ હવામાનથી બચાવે છે. આ આધુનિક સાધનો અને પદ્ધતિઓ માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગ તરફથી મળતી સબસિડીએ તેમનો આર્થિક બોજ હળવો કર્યો છે. તેમની ખેતપેદાશોની ગુણવત્તા એટલી શ્રેષ્ઠ હોય છે કે વેપારીઓ સામે ચાલીને ખેતરે આવીને માલ ખરીદે છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચે છે અને વચેટિયામુક્ત સીધું વેચાણ શક્ય બને છે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો, પ્રકાશભાઈને ગત વર્ષે વીઘે અંદાજે રૂ. ૮૦,૦૦૦ સુધીનું મબલખ ઉત્પાદન મળ્યું હતું. આ વર્ષે પણ શિયાળુ અને ઉનાળુ પાક દ્વારા તેઓ લાખોની કમાણીની અપેક્ષા રાખી રહ્યા છે. તેમનું માનવું છે કે જો ખેડૂત જાગૃત બનીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, તો ખેતી ક્યારેય ખોટનો ધંધો નથી, પરંતુ સોનાની લગડી સમાન બની શકે છે. આજે પ્રકાશભાઈ માત્ર એક સફળ ખેડૂત નથી, પણ આસપાસના વિસ્તારના ખેડૂતો માટે આદર્શ બની ગયા છે. નવલગઢનો આ 'પ્રકાશ' આજે સમગ્ર ઝાલાવાડ પંથકમાં કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિનો દીવો પ્રગટાવી રહ્યો છે. જો ખેડૂત પરંપરાગત ઢબ છોડીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, તો ખેતી ખરેખર સમૃદ્ધિનું દ્વાર ખોલી શકે છે. પ્રકાશભાઈ માત્ર પોતાની પ્રગતિથી સંતુષ્ટ નથી, પરંતુ તેઓ આસપાસના વિસ્તારના ખેડૂતોને પણ આધુનિક ખેતી તરફ વાળવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. નવલગઢના જ ખેડૂત કમલેશભાઈ જણાવે છે કે, “અમે વર્ષોથી કપાસ અને અન્ય પરંપરાગત પાકો લેતા હતા જેમાં ઘણીવાર ખર્ચ પણ માંડ નીકળતો. પરંતુ પ્રકાશભાઈની સલાહથી આ વર્ષે મેં ૧૦ વીઘામાં ટેટીનું વાવેતર કર્યું છે. અમારો આ પ્રથમ અનુભવ હોવા છતાં, કપાસની સરખામણીએ ટેટીમાં ઘણો સારો ફાયદો દેખાઈ રહ્યો છે. આવકમાં મોટો ઉછાળો જોવા મળતા હવે અમે આધુનિક ખેતી તરફ વળ્યા છીએ.”અન્ય એક પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ જાદવ કહે છે કે, “પહેલા અમે ધાણા, જીરું અને કપાસની ખેતીમાં મહેનત કરતા હતા, પણ જ્યારે પ્રકાશભાઈના ખેતરે જઈને ટેટીનું સફળ વાવેતર જોયું ત્યારે અમને નવી દિશા મળી. હાલમાં ટેટીના વાવેતરથી અમને વીઘે રૂ. ૫૦,૦૦૦ થી ૬૦,૦૦૦ જેવી માતબર આવક થઈ રહી છે. સૌથી સારી વાત એ છે કે પ્રકાશભાઈ પોતે અમારી વાડીએ આવીને માર્ગદર્શન આપે છે અને નવું નવું શીખવાડે છે.” આમ, નવલગઢના પ્રકાશભાઈ પટેલ આજે સમગ્ર ઝાલાવાડ પંથકમાં કૃષિ સમૃદ્ધિનો 'પ્રકાશ' ફેલાવી રહ્યા છે. તેમની મહેનત, સરકારી યોજનાઓનો લાભ અને આધુનિક વિચારધારાએ સાબિત કરી દીધું છે કે 'સ્માર્ટ ફાર્મિંગ' એ જ ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. ખેતીને માત્ર મજૂરી નહીં પણ એક 'વ્યવસાય' તરીકે વિકસાવવાની પ્રકાશભાઈની આ મુહિમ અન્ય ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે.




0 Comments