સુરેન્દ્રનગરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દિવ્ય પ્રદર્શન અને રાજયોગ શિબિરનું આયોજન

 સુરેન્દ્રનગરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દિવ્ય પ્રદર્શન અને રાજયોગ શિબિરનું આયોજન


સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, સુરેન્દ્રનગર સેવા કેન્દ્ર દ્વારા ચૈત્રી નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભવ્ય આધ્યાત્મિક મહોત્સવ અને વિશેષ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. "ચૈત્રી નવરાત્રિના પાવન પર્વે, દિવ્યતા અને શક્તિનો અનોખો સંગમ" એ થીમ હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં શહેરના તમામ ભાવિક ભક્તોને સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન તા. ૨૦ માર્ચ થી ૨૨ માર્ચ ૨૦૨૬ સુધી દરરોજ સાંજે ૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ કલાકે રોટરી ક્લબ હોલ, એન.ટી.એમ. સ્કૂલ પાસે, સુરેન્દ્રનગર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં મુખ્યત્વે 'ચૈતન્ય દેવીઓની ઝાંખી' દ્વારા જીવંત દેવી સ્વરૂપોના દિવ્ય દર્શન કરાવવામાં આવશે. આ સાથે નવ શક્તિઓના રહસ્યો અને આદ્યશક્તિના નવ રૂપોનું ગૂઢ આધ્યાત્મિક જ્ઞાન પીરસવામાં આવશે. આ ઉપરાંત, જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવતું આધ્યાત્મિક પ્રદર્શન અને આધુનિક યુગમાં બુરાઈઓ પર વિજયનો સંદેશ આપતી 'ડિજિટલ રાવણની ઝાંખી' પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ મહોત્સવના ભાગરૂપે પરમાત્માની દિવ્ય ઉર્જા અને માનસિક શાંતિનો અનુભવ કરાવવા માટે એક વિશેષ રાજયોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તા. ૨૩.૦૩.૨૬ થી ૨૬.૦૩.૨૬ દરમિયાન યોજાશે. શિબિરમાં જોડાવા માટે ભાવિકો પોતાની અનુકૂળતા મુજબ સવારે ૭ થી ૮, સાંજે ૫ થી ૬ અથવા રાત્રે ૮ થી ૯ ના સમયગાળામાં જોડાઈ શકશે. નોંધનીય છે કે આ શિબિર સંપૂર્ણ નિઃશુલ્ક છે, પરંતુ તેમાં જોડાવા માટે અગાઉથી નામ નોંધાવવું અનિવાર્ય છે. વધુ માહિતી અથવા નામ નોંધણી માટે સંસ્થાના સેવા કેન્દ્ર, ૮૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર અથવા મોબાઈલ નંબર +91 87809 75328 પર સંપર્ક કરવા જણાવાયું છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય "શક્તિનો ઉદય, આત્માનો વિજય" ના મંત્રને સાર્થક કરવાનો છે.સંસ્થા દ્વારા શહેરના તમામ ભાવિક ભક્તોને આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી

Post a Comment

0 Comments