સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી

 સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી

વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન; વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમો અને કીટનું વિતરણ






સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્થિત મંગલ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે જિલ્લા સ્તરે ‘મહિલા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બહેનો અને માતાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન પૂર્વ નગરપાલિકા પ્રમુખ  જીજ્ઞાબેન પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી સ્વાવલંબી બનનાર મહિલાઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું છે, જે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાનું સ્રોત બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત થાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આ તકે ઉપસ્થિત મહિલાઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી છેવાડાના ગામડાની મહિલાઓ પણ યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક રીતે સશક્ત બની શકે. આ કાર્યક્રમ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સરકારની મક્કમ કટિબદ્ધતાના દર્શન કરાવે છે.

આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી મહિલાઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સરકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ મંજૂરી હુકમો અને કીટનું વિતરણ કરાયું હતું. જેમાં મુખ્યત્વે 'વ્હાલી દીકરી યોજના'ના મંજૂરી હુકમ, 'દીકરી વધામણા કીટ' એનાયત કરવામાં આવી હતી.

મહિલાઓને શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સહાય અંગેની માહિતી સ્થળ પર જ મળી રહે તે માટે વિવિધ માહિતીલક્ષી સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી વી.એસ. શાહ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની મહિલા અને બાળ સમિતિના ચેરમેન  નંદુબેન વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી  અરવિંદ ઓઝા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી  ભાવનાબેન જીડીયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાની વિશાળ સંખ્યામાં માતાઓ તથા બહેનો ઉપસ્થિત રહી હતી.

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી

Post a Comment

0 Comments