આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં લીંબડી ખાતે 'અસ્મિતા લીગ'નું આયોજન

 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં લીંબડી ખાતે 'અસ્મિતા લીગ'નું આયોજન



ખેલો ઇન્ડિયા અંતર્ગત મહિલા સશક્તિકરણ માટે વિવિધ વય જૂથની દોડ સ્પર્ધાઓ અને મનોરંજક પ્રવૃત્તિઓ યોજાશે

આ સ્પર્ધામાં જોડાવા માટે mybharat.gov.in પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના વિભાગ અંતર્ગત, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે 'અસ્મિતા લીગ' (Achieving Sports Milestone by Inspiring Women Through Action)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 


જિલ્લા વહીવટી તંત્ર, Sports Authority of India, MY Bharat અને જિલ્લા રમતગમત કચેરીના સંયુક્ત સંકલનથી આ કાર્યક્રમ યોજાશે. આ લીગ ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત “Sports for Women" ને પ્રોત્સાહન આપતી એક મુખ્ય પહેલ છે, જેનો મુખ્ય હેતુ દેશભરની દીકરીઓ અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે.


આ સ્પર્ધા આગામી તા. ૦૮ માર્ચ ૨૦૨૬ ના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, લીંબડી ખાતે યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓએ સવારે ૭.૩૦ વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ લીગમાં મુખ્યત્વે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટર દોડ જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ તેમજ વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.


સ્પર્ધાને મુખ્ય ત્રણ વય જૂથોમાં વહેંચવામાં આવી છે, જેમાં અન્ડર-૧૩ વર્ષ, ૧૩ થી ૧૮ વર્ષ અને ૧૮ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ભાગ લઈ શકશે. જિલ્લાની તમામ દીકરીઓ અને મહિલાઓને આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરવા જિલ્લા યુવા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તમામ શાળાઓ, મહાવિદ્યાલયો અને વાલીઓને પણ અપીલ છે કે તેઓ મહિલાઓને આ પ્રતિષ્ઠિત પહેલમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે. રસ ધરાવતા ઉમેદવારો mybharat.gov.in પોર્ટલ પર જઈને અથવા સત્તાવાર QR કોડ સ્કેન કરીને પોતાની નોંધણી કરાવી શકે છે.

Post a Comment

0 Comments