સુરેન્દ્રનગરની શિલ્પકળા અને પથ્થર કોતરણીને મળશે વૈશ્વિક ઓળખ: ‘સોમપુરા શિલ્પ’ અને ‘ધ્રાંગધ્રા સ્ટોન કાર્વિંગ’ માટે GI ટેગની પ્રક્રિયા હાથ ધરાશે
અમદાવાદ ખાતે આયોજિત ‘IP યાત્રા’માં સુરેન્દ્રનગરના પ્રતિનિધિઓનું સન્માન; ટાંગલિયા શાલના ૫૭ કારીગરોને પ્રમાણપત્રો એનાયત માતાની પછેડી' કળાના ૩૪ ઓથોરાઇઝ્ડ યુઝર્સને સન્માનિત કરાયા; સુરત ડાયમંડ એસોસિએશનને ‘સુરત કટ’ માટે GI સર્ટિફિકેટ એનાયત
અમદાવાદ સ્થિત એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા – EDII ખાતે બૌદ્ધિક સંપત્તિ જાગૃતિ માટે “IP યાત્રા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાના પરંપરાગત હસ્તકલા અને સ્થાપત્ય કલાના કારીગરો માટે આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. ભારત સરકારના પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સના કન્ટ્રોલર જનરલ – CGPDTM ડૉ. ઉન્નત પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત કરવા મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ ડૉ. ઉન્નત પંડિતે જણાવ્યું હતું કે, ભારત પાસે સદીઓ જૂનું પરંપરાગત જ્ઞાન અને વારસો છે. સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં વંશપરંપરાગત ચાલી આવતી કળાઓ ભારતની સાચી સંપત્તિ છે. GI ટેગ માત્ર એક પ્રમાણપત્ર નથી, પરંતુ તે ઉત્પાદકો અને કારીગરોના આર્થિક કલ્યાણનું સબળ માધ્યમ છે. EDIIના ડિરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાએ પણ આ સમગ્ર પ્રક્રિયામાં સંસ્થાના સંપૂર્ણ ટેકનીકલ અને માર્ગદર્શક સહયોગની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં પરંપરાગત હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગરની પ્રસિદ્ધ ટાંગલિયા શાલના સંરક્ષણ માટે પણ આ કાર્યક્રમ ઐતિહાસિક સાબિત થયો હતો. ડૉ. પંડિત દ્વારા ટાંગલિયા શાલના વ્યવસાય સાથે જોડાયેલા ૫૭ કુશળ કારીગરોને ‘GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી લવજીભાઈ પરમારના નેતૃત્વ હેઠળ આ કારીગરોને મળેલી આ માન્યતા તેમની પરંપરાગત વણાટ કળાને નકલખોરોથી બચાવશે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનમાં ખૂબ જ મદદરૂપ થશે. આ ઉપરાંત, ભાનુભાઈ ચિતારાના પ્રતિનિધિત્વ હેઠળ 'માતા ની પછેડી' કળાના ૩૪ ઓથોરાઇઝ્ડ યુઝર્સને પણ તેમની કળાના સંરક્ષણ માટે સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનને ‘સુરત કટ’ માટે GI સર્ટિફિકેટ પણ એનાયત કરાયું હતું, જે હીરા ઉદ્યોગની કુશળતાને વૈશ્વિક માન્યતા આપે છે. આ કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ગૌરવ સમાન ‘સોમપુરા શિલ્પ સ્થાપત્ય કલા’ અને ‘ધ્રાંગધ્રા સ્ટોન કાર્વિંગ’ પથ્થર કોતરણીને ભૌગોલિક સંકેતક - GI Tag અપાવવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સોમપુરા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી રવિન્દ્રભાઈ સોમપુરા ઉપસ્થિત રહ્યા હતા, જેઓનું ડૉ. ઉન્નત પંડિત દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. EDIIના માર્ગદર્શન હેઠળ આ બંને પ્રાચીન કળાઓ માટે GI ટેગિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં જ આરંભવામાં આવશે, જેના પરિણામે સ્થાનિક કારીગરોની કળાને કાયદાકીય રક્ષણ મળશે અને વૈશ્વિક બજારમાં એક આગવી ઓળખ પ્રાપ્ત થશે. સુરેન્દ્રનગર જિલ્લા માટે આ આયોજન બૌદ્ધિક સંપત્તિ અધિકારો (IPR) પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે સ્થાનિક હસ્તકલા અને શિલ્પકલાને વિશ્વના નકશા પર અંકિત કરવાની દિશામાં એક મજબૂત અને નિર્ણાયક ડગલું સાબિત થયું છે. આ પ્રક્રિયા પૂર્ણ થતા જ જિલ્લાના પથ્થર કલાકારો અને વણકરોને આંતરરાષ્ટ્રીય સ્તરે નવું પ્લેટફોર્મ મળશે.
અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી


.jpeg)


0 Comments